ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દીવા શાહ અમદાવાદ ખાતે લગ્નગ્રંથિથી જોડાયાં, કેવો રહ્યો સમારોહ? - ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, ગૌતમ અદાણી, ગૌતમ અદાણીના પુત્રનાં લગ્ન, અમદાવાદ

ઇમેજ સ્રોત, x/@gautam_adani

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ભારતના સૌથી ધનિકો પૈકી એક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઍક્સ પર પોસ્ટ કરીને ગુરુવારે પોતાના નાના દીકરા જીત અને દીવા શાહનાં લગ્ન થયાના સમાચાર આપ્યા છે.

આ દંપતી ગુજરાતના અમદાવાદમાં લગ્નગ્રંથિથી જોડાયાં હતાં.

નોંધનીય છે કે થોડા સમય પહેલાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનાં લગ્નના 'ભવ્યાતિભવ્ય' સમારોહો બાદ ગૌતમ અદાણીના નાના પુત્રનાં લગ્ન પણ 'વૈભવી' રીતે કરાશે એવી અટકળો હતી.

જોકે, અદાણી પરિવારે અગાઉ કરેલી જાહેરાત અનુસાર આ લગ્ન 'સાદગીપૂર્ણ'અને 'પરંપરાગત ઢબે' થયાં હતાં. જેમાં દેશવિદેશના સ્ટાર્સનો જમાવડો અને ભવ્ય સમારોહની રમઝટ જોવા મળી નહોતી.

ગૌતમ અદાણીનાં નાનાં પુત્રવધૂ દીવા શાહ એ મુંબઈના હીરાવેપારી જૈમિન શાહનાં પુત્રી છે.

બંનેની સગાઈ માર્ચ 2023માં થઈ હતી.

અમેરિકાથી પાછા આવેલા 'ભારતીય નાગરિકો સાથે સારું વર્તન થવું જોઈએ': વિદેશ મંત્રાયલય

અમેરિકા

ઇમેજ સ્રોત, EPA

અમેરિકાથી યોગ્ય દસ્તાવેજો ન હોવાને કારણે 104 ભારતીયોને હાથકડી અને સાંકળો પહેરાવીને પાછા મોકલવા પર વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે.

શુક્રવારે થનારી નિયમિત પ્રેસ કૉન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસરીએ પત્રકારોના સવાલના જવાબમાં કહ્યું કે, "અમે અમેરિકન અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છીએ. અમે હંમેશાંથી એ વાત પર ભાર મૂક્યો ચે કે કોઈ પણ દેશમાં બીજા દેશના નાગરિકો સાથે સારું વર્તન થવું જરૂરી છે. ભલે તેમને ડિપૉર્ટ કરવામાં આવી રહ્યા હોય તો પણ સારું વર્તન થવું જરૂરી છે."

તેમણે કહ્યું કે, "હાલની પરિસ્થિતિ બાબતે અને પહેલાં પણ અમે સતત અમેરિકન અધિકારીઓના સંપર્કમાં રહીએ છીએ."

વિક્રમ મિસરીએ કહ્યું કે "અમેરિકાએ ભારતીયોને જે રીતે પાછા મોકલ્યા છે તે વિશે વિદેશ મંત્રી એસ જયશંકર પહેલાં પણ સંસદમાં નિવેદન આપી ચૂક્યા છે અને તેનાથી વધુ તેઓ ઉમેરવા નથી માગતા."

વિદેશ મંત્રાલય અનુસાર 2012થી જ અમેરિકામાં નિર્વાસનની આ જ પ્રક્રિયા ચાલી રહી છે અને તેમાં કંઈ નવું નથી.

ભારતીયોને જે રીતે અમેરિકાથી પાછા મોકલવામાં આવ્યા તેને ગુરુવારના સંસદમાં વિપક્ષના સાંસદોએ અપમાનજનક ગણાવ્યું હતું.ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે સંસદમાં કહ્યું હતું કે ભારત અમેરિકાને કહેશે કે લોકો સાથે માનવીય વર્તન થવું જોઈએ.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 ફેબ્રુઆરીના અમેરિકાની મુલાકાતે જવાના છે.

ડોનાલ્ડ ટ્રમ્પના ફરી રાષ્ટ્રપતિ બન્યા બાદ મોદી પહેલી વખત અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે.

રિઝર્વ બૅન્કે રેપો રેટ ઘટાડ્યો, હોમ લોન સસ્તી થશે ખરી?

રિઝર્વ બૅન્કે રેપો રેટ ઘટાડ્યો, હોમ લોન સસ્તી થશે ખરી? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા

ભારતીય રિઝર્વ બૅન્કે રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આરબીઆઈએ તેમાં 25 બેસિઝ પૉઇન્ટનો ઘટાડો કર્યો છે. ત્યાર પછી હવે રેપો રેટ 6.25 ટકા થઈ ગયો છે જે પહેલાં 6.50 ટકા હતો.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર આ જાણકારી આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાએ આપી. તેમણે કહ્યું કે નવો પાક આવ્યા બાદ મોંધવારી ઓછી થશે તેવું અનુમાન છે.

હવે જ્યારે રિઝર્વ બૅન્કે રેપો રેટ ઓછો કર્યો છે ત્યારે હોમ લોનની ઈએમઆઈ ઓછી થઈ શકે છે પરંતુ તે વિવિધ બૅન્કો પર નિર્ભર રહેશે.

ગુજરાત સરકારે હાર્દિક પટેલ અને અન્ય યુવાનો પર કરેલા રાજદ્રોહ સહિતના કેસો પરત લીધા

હાર્દિક પટેલ, પાટીદાર અનામત આંદોલન, ભાજપ, કૉંગ્રેસ, આનંદીબહેન પટેલ, બીબીસી ગુજરાતી, ભૂપેન્દ્ર પટેલ સરકાર, ગુજરાત સરકાર, ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલની ફાઇલ તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાજપના વીરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું છે કે ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન સમાજના અનેક લોકો પર સરકારે જે કેસો કર્યા હતા તે પરત લઈ લીધા છે.

હાર્દિકે લખ્યું, "ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાનો પર લાગેલા ગંભીર રાજદ્રોહ સહિતના કેસો આજે ભૂપેન્દ્ર પટેલની સરકારે પરત લઈ લીધા છે. હું સમાજ તરફથી ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર પ્રગટ કરું છું."

તેમણે વધુમાં લખ્યું કે પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં જેમને અનામત નહોતું મળતું તેવા અનારક્ષિત વર્ગો માટે આયોગ-નિગમ બન્યું, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના લાગુ થઈ અને દેશમાં આર્થિક આધાર પર સવર્ણોને 10 ટકા અનામતનો લાભ મળ્યો.

તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહનો પણ આભાર માન્યો હતો.

ગુજરાતમાં થયેલા પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ આંદોલનનો મુખ્ય ચહેરો હતા. ત્યારબાદ તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને કાર્યકારી પ્રમુખ બન્યા. પરંતુ પછી તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. હાર્દિક પટેલના કેટલાક સાથીદારો પણ તેમની પાછળ ભાજપમાં જોડાઈ ગયા હતા.

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ ટ્રમ્પને ભેટમાં આપ્યું ગોલ્ડન પેજર

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ ટ્રમ્પને ભેટમાં આપ્યું ગોલ્ડન પેજર
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ ટ્રમ્પને ભેટમાં આપ્યું ગોલ્ડન પેજર

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથેની મુલાકાત બાદ તેમને એક ખાસ ગિફ્ટ આપી છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ નેતન્યાહૂએ ટ્રમ્પને ગોલ્ડન પેજર ગિફ્ટ કર્યું છે.

પીએમ નેતન્યાહૂના કાર્યાલય દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે. કાર્યાલયે જણાવ્યું છે કે આ ગિફ્ટ લેબનોનમાં હિઝ્બુલ્લાહ સામે ઇઝરાયલે કરેલાં ઑપરેશનનું પ્રતિક છે. જેમાં પેજર બ્લાસ્ટમાં હિઝ્બુલ્લાહનાં સેંકડો લડવૈયાઓ માર્યા ગયા હતા.

ઉલ્લેખનીય છે કે આ ઑપરેશન દરમિયાન ઇઝરાયલે હિઝ્બુલ્લાહના સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતાં પેજરોનો વિસ્ફોટક તરીકે ઉપયોગ કર્યો હતો. જેમાં ડઝનબંધી લોકો માર્યા ગયા હતા. ઇઝરાયલે કહ્યું હતું કે તેમણે આ ઑપરેશન હિઝ્બુલ્લાહના સભ્યોને લક્ષ્યાંક બનાવવા માટે કર્યું હતું પરંતુ લેબનોન સત્તાધિશો તરફથી આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે તેમાં સામાન્ય નાગરિકો પણ માર્યા ગયા હતા.

અમેરિકા: ટ્રમ્પે હવે રમતગમતમાં આ લોકોના ભાગ લેવા પર લગાવ્યો પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વધુ એક ઍક્ઝિક્યૂટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ ઑર્ડર ટ્રાંસજેન્ડર મહિલાઓને વુમન સ્પૉર્ટ્સમાં ભાગ લેવા પર રોક લગાવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વધુ એક ઍક્ઝિક્યૂટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ ઑર્ડર ટ્રાંસજેન્ડર મહિલાઓને વુમન સ્પૉર્ટ્સમાં ભાગ લેવા પર રોક લગાવે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે વધુ એક ઍક્ઝિક્યૂટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા. આ ઑર્ડર ટ્રાંસજેન્ડર મહિલાઓને વુમન સ્પૉર્ટ્સમાં ભાગ લેવા પર રોક લગાવે છે.

રિપબ્લિકન નેતાઓનું કહેવું છે કે આ આદેશ રમતગમતમાં નિષ્પક્ષતાને બહાલ કરનારો છે. જ્યારે કે એલજીબીટી સમર્થકો અને માનવાધિકાર સંગઠનોએ આ પગલાંને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશિયલ પર તેની જાણકારી આપી અને તેમણે લખ્યું કે આપણા દેશની યુવતીઓ અને મહિલાઓ માટે આ મોટો દિવસ છે.

તેમણે લખ્યું, "કાલે મેં એક ઍક્ઝિક્યૂટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા. તેને કારણએ એનસીએએને અધિકારિક રીતે મહિલાઓની રમતોમાં પુરુષોને અનુમતિ આપવાની પોતાની નીતિમાં ફેરફાર કર્યો છે. હવે આ પ્રતિબંધિત છે."

એનસીએએ એટલે કે નૅશનલ કૉલેજિએટ ઍથ્લીટ ઍસોસિયેશન. આ અમેરિકામાં ઇન્ટરકૉલેજિએટ ઍથ્લેટિક્સને નિયંત્રિત કરે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટ સામે લગાવ્યા પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઍક્ઝિક્યૂટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ઍક્ઝિક્યૂટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ઍક્ઝિક્યૂટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટ સામે તેમણે પ્રતિબંધ લગાવી દીધો છે.

ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટ પર અમેરિકા તથા તેમના સહયોગી ઇઝરાયલ સામે અનુચિત તથા આધારહીન કાર્યવાહી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ટ્રમ્પના આ આદેશ અંતર્ગત આઈસીસીના અધિકારીઓ તથા તેમના પરિવાર ઉપરાંત અદાલતની તપાસમાં સહયોગ કરનારા વ્યક્તિ સામે આર્થિક તથા વિઝા પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની વૉશિંગ્ટન યાત્રા દરમિયાન ટ્રમ્પે આ આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે.

નવેમ્બર 2024માં ઇન્ટરનૅશનલ ક્રિમિનલ કોર્ટે ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂ સામે ધરપકડનું વૉરંટ જારી કર્યું હતું.

આઈસીસીએ નેતન્યાહૂ પર ગાઝામાં કથિત યુદ્ધ અપરાધનો આરોપ લગાવ્યો હતો જેને ઇઝરાયલે નકારી કાઢ્યો હતો. આઈસીસીએ હમાસ કમાન્ડર સામે પણ વૉરંટ જારી કર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.